Last Posts

Monday, February 4, 2013

આજકાલ ની સંગીત સંધ્યાઓ અને ગાયકો



                'મ્યુઝીકલ નાઈટ'  નામના કાર્યક્રમો, જેમાં રફી તથા મુકેશનો  અવાજ કહીને ફરજીયાત 'પાસ' ચોંટાડાય  છે। જેમાં ગયા પછી 'રફી' એ ન ગાયેલો 'રફ' અવાજ સાંભળવા મળે અને કદાચ રફીએ સાંભળ્યો હોત તો એ તો હિમાલયની બ'રફી'લી પહાડીઓમાં સન્યાસ લઇ લેત।

એ પછી ગાયકને મુકેશના અવાજમાં  સાંભળીએ ત્યારે આપણે મુકેશની સાચી સંધી  'મુક-ઈશ' (હે! ભગવાન, મને મૂકી દે આ અત્યાચારમાંથી ) છે એવું ભાન થાય છે અને એ જ કહીને આપણે મનોમન આ પ્રોગ્રામના 'પાસ' ક્યા કાળના ચોઘડિયે  'પાસ'  કર્યા એવું કહીને, આપણી જ ભૂલ કબુલ કરીએ.  થોડા સમય  પછી એ કાર્યક્રમ  'સહન' કરેલા લોકો સાથે વાત થાય ત્યારે ખબર પડે કે આપણને પાસ ખરીદવાના કરાયેલા આગ્રહમાં  આયોજકને મૂળ-'કેશ' (રોકડા) ખૂટતા હતા અને આપણે  ખરીદીને  'મુર્ખેશ'   સાબિત થયા।

ઉપરાંત, આવા ગાયકો પોતાને સંગીતના  'સાધકો' કહેતા હોય છે, જેમના માટે સંગીતના 'સાંઢો'  શબ્દ વધુ યોગ્ય હોય છે। 

ઓબ્ઝર્વોકતી : 
સામાન્ય રીતે સંગીત સંધ્યામાં વડીલો  'સંગીત'  માટે આવતા હોય છે,
અને યુવાનો  'સંધ્યા'  માટે આવતા હોય છે,
પણ,
આજકાલની  'કહેવાતી'  સંગીત સંધ્યામાં યુવાનો કે વડીલો ઓછા આવતા હોય છે કેમ કે તેમાં,
ન  તો  'સંગીત'  હોય  છે
કે
ન  તો  'સંધ્યા'  હોય  છે !